સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભાસ્કરપરા ગામ નજીક પદયાત્રા કરી રહેલા સંઘને એક બેફામ સ્પીડે આવતા ટ્રક ચાલકે અડફેટે લેતા કુલ 7 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહોને એકત્ર કરવા માટે પાવડાની મદદ લેવી પડી હતી.

વિરમગામ હાઇવે પર સર્જાયો અકસ્માત

રાજકોટ જિલ્લાના ગઢકા ગામેથી ભરવાડ સમાજનો મુંધવા પરિવાર પદયાત્રાએ નીકળ્યો હતો. તેઓ ડેકાવાળા ખાતે આવેલા મહાદેવજીના મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા. લખતર-વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા નજીક એક ડમ્પર ઊભું હતું, જેનું ટાયર બદલાવવાનું કામ ચાલી રહ્યું હતું. પદયાત્રીઓ જ્યારે આ ડમ્પર ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પાછળથી ધસમસતા આવેલા કાળમુખા ટ્રકે 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા.

મૃતકોની વિગત

આ અકસ્માતમાં 5 મહિલાઓ અને 2 પુરુષોના મોત નિપજ્યા છે. જેમાં 6 લોકોના મોત ઘટનાસ્થળે જ થયા હતા, જ્યારે ડમ્પરના ક્લીનરનું વિરમગામ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકોમાં મોટાભાગના એક જ પરિવારના હોવાથી ભરવાડ સમાજ અને ગઢકા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ લખતર અને વિરમગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાઈવે પર પથરાયેલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માતનું દ્રશ્ય એટલું ભયંકર હતું કે જોનારાઓના કાળજા કંપી ગયા હતા.

આ પણ વાંચો: Gujarat local election 2026: અરવલ્લી ભાજપમાં ખેલાયો ‘મેન્ડેટ કાંડ’, ગઢા બેઠક પર છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાતા હોબાળો