ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલા કોંઢ ગામ પાસે ગત રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. નર્મદાની મુખ્ય કેનાલમાં એક કાર ખાબકતા હળવદના દંપતી પૈકી પત્નીનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે, જ્યારે પતિનો ચમત્કારિક બચાવ થયો છે.
નર્મદાની મુખ્ય કેનાલમાં એક કાર ખાબકી
મળતી માહિતી મુજબ, મૂળ ધ્રાંગધ્રાના કલ્યાણપુર ગામના વતની અને હાલ હળવદ ખાતે રહેતા દંપતી હળવદથી ઘઉં લેવા માટે કાર લઈને નીકળ્યા હતા. રાત્રિના સમયે ધ્રાંગધ્રાના કોંઢ ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ નજીક ચાલકે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતા જ કાર રોડ પરથી ઉતરી સીધી કેનાલના ઊંડા પાણીમાં ખાબકી હતી.
પતિનો બચાવ, પત્નીનું મોત
કાર પાણીમાં પડતા જ પતિએ સમયસૂચકતા વાપરી કારનો દરવાજો ખોલી નાખ્યો હતો અને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જોકે, તેમની પત્ની કારની અંદર ફસાઈ ગયા હતા અને પાણીમાં ગરકાવ થઈ જવાથી તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
રેસ્ક્યુ ઓપરેશન
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને ધ્રાંગધ્રા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ કેનાલના પાણીમાંથી કાર અને મૃતક મહિલાના દેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટનાને પગલે કલ્યાણપુર અને હળવદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: Aravalli: મોડાસા રોડ પર કોલસા ભરેલા ટ્રકમાં ભીષણ આગ, ફાયર વિભાગની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી