ગીર સોમનાથના તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામમાં મોડી રાત્રે જમીન વિવાદમાં માનવતાને શર્મસાર કરતી હિંસક ઘટના સામે આવી છે. વારસાઈ ખેતીની જમીનનો કેસ કોર્ટમાં જીત્યા બાદ કબ્જો મેળવનાર પરિવાર પર પ્રતિસ્પર્ધી જૂથ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જામગરી બંદૂકથી ફાયરિંગ અને પેટ્રોલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવતા ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે.


કોર્ટના ચુકાદા બાદ વેરની વસૂલાત

પીડિત હુસેન બાજરાણીએ સંદેશ ન્યૂઝ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓ પોતાની વારસાઈ ખેતીની જમીનનો કેસ કોર્ટમાં જીતી ગયા હતા. ગત 19 ફેબ્રુઆરીના રોજ કોર્ટ કમિશનર દ્વારા પોલીસ બંદોબસ્તની હાજરીમાં તેમને જમીનનો કબ્જો સોંપવામાં આવ્યો હતો. આ બાબતનો ખાર રાખીને મહંમદ હુસેન કાસમ મોરી અને તેના સાગરીતો દ્વારા રાત્રિના દસેક વાગ્યાના સુમારે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો.

પેટ્રોલ બોમ્બ અને જામગરીથી ફાયરિંગ

હુમલાખોરોએ પેટ્રોલ ભરેલી બોટલો સળગાવીને હુસેન ભાઈના મકાન પર ફેંકી હતી, જેના કારણે મકાનમાં ભીષણ આગ લાગી હતી. આટલું જ નહીં, હુમલાખોરોએ જામગરી બંદૂકથી 4 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આગની આ ઘટનામાં પરિવારના વૃદ્ધા સહિત કુલ 4 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

સરપંચના પુત્રએ બચાવ્યા જીવ

ઘટના સમયે હાજર પ્રત્યક્ષદર્શી અને સરપંચના પુત્ર અફતાફ બ્લોચે સમયસૂચકતા વાપરીને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમણે આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.તાલાલા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી મહંમદ હુસેન કાસમ મોરી સહિતના શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ જાવંત્રી ગીર ગામમાં તણાવપૂર્ણ સ્થિતિને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Jasdan: જડિયા મહાદેવના મહંત અને સેવક પર દીપડાનો ખૂંખાર હુમલો, ભક્તોએ દીપડાને ઓરડામાં કર્યો કેદ

  • Follow us on: