બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા થરાદ-સાંચોર હાઈવે પર પૂરઝડપે દોડતી એક કારે અકસ્માત સર્જ્યો હતો. રાજસ્થાન તરફથી આવી રહેલી આ કાર એટલી બેકાબૂ બની હતી કે તેણે હાઈવેની સુરક્ષા માટે રાખવામાં આવેલી લોખંડી જાળીઓ તોડી નાખી હતી. આ ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે.


થરાદ - સાંચોર હાઈવે પર અકસ્માત

મળતી માહિતી મુજબ, કારચાલક પૂરઝડપે કાર હંકારી રહ્યો હતો ત્યારે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી હાઈવેની જાળીમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારમાં સવાર બે લોકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કાર ગાયબ થતા શંકાની સોય

અકસ્માત બાદ એક વિચિત્ર ઘટનાક્રમ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જાયાના ટૂંકા જ સમયમાં અકસ્માતગ્રસ્ત કારને ઘટનાસ્થળેથી હટાવી લેવામાં આવી હતી. સામાન્ય રીતે પોલીસ કાર્યવાહી પહેલા વાહનને હટાવવામાં આવતું નથી, ત્યારે આ કારને કોણે અને કેમ આટલી ઉતાવળમાં હટાવી તે મુદ્દે લોકમુખે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કાર ક્યાંની હતી અને કોની હતી તે અંગેની વિગતો મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Limbadi: ભલગામડા પાસે આઈસર પાછળ કાર ઘૂસી જતાં જામનગરના વેપારીનું ઘટનાસ્થળે જ નિધન

  • Follow us on: