વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓએ ગૃહમાતાના અસહ્ય ત્રાસ અને માનસિક હેરાનગતિ સામે બ્યૂગલ ફૂંક્યું છે. હોસ્ટેલના ગેટ પર મોટી સંખ્યામાં દીકરીઓ ધરણા પર ઉતરી જતાં સ્થાનિક તંત્ર અને શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. વિદ્યાર્થીનીઓએ ગૃહમાતા આશાબેન સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે તેઓ તેમની પાસે અંગત ઘરકામ કરાવે છે અને સાફ-સફાઈના બહાને માનસિક ત્રાસ આપે છે.
વિવાદનું કારણ અને જૂની ફરિયાદ
ચોંકાવનારી બાબત એ છે કે, આ વિવાદ નવો નથી. અગાઉ પણ આશાબેન વિરુદ્ધ વ્યાપક ફરિયાદો ઉઠતા તેમની બદલી કરી દેવામાં આવી હતી. જોકે, કોઈ અગમ્ય કારણોસર તંત્ર દ્વારા તેમને ફરીથી આ જ હોસ્ટેલમાં નિમણૂંક અપાતા વિદ્યાર્થીનીઓનો રોષ ફાટી નીકળ્યો છે. દીકરીઓએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, "અમે અહીં ભણવા માટે આવ્યા છીએ, કોઈના ઘરકામ કરવા માટે નહીં. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે."
તંત્રની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો
ઘટનાની ગંભીરતાને જોતા મહિલા પોલીસ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) સહિતના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ હોસ્ટેલ દોડી આવ્યા હતા. કલાકો સુધી ચાલેલી સમજાવટ અને કડક તપાસની ખાતરી બાદ દીકરીઓએ પોતાની હડતાળ સમેટી લીધી હતી. વાલીઓએ પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો માંગ પૂરી નહીં થાય તો તેઓ દીકરીઓને હોસ્ટેલમાંથી પરત લઈ જશે.
તંત્રએ તપાસના આદેશ આપ્યા
હાલમાં તંત્રએ તપાસના આદેશ આપ્યા છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જે કર્મચારી સામે અગાઉ ગંભીર ફરિયાદો હતી, તેમને જ ફરી એ જ હોસ્ટેલની જવાબદારી સોંપવા પાછળ કયા પરિબળો કામ કરી રહ્યા છે? શું શિક્ષણ વિભાગ આ મામલે કાયમી નિકાલ લાવશે કે પછી દીકરીઓએ ફરી અન્યાય સહન કરવો પડશે?
આ પણ વાંચો--- Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી










