દાહોદ જિલ્લામાં આવેલા મુવાલીયા ક્રોસિંગ નજીક એક ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટેન્કર, એક કાર અને એક રીક્ષા સામસામે અથડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા તરફથી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલા એક ટેન્કરે મુવાલીયા ક્રોસિંગ નજીક એક સ્વિફ્ટ કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે સ્વિફ્ટ કાર અનિયંત્રિત બની અને આગળ જઈ રહેલી એક રીક્ષાને ટક્કર મારી હતી.

 મુવાલીયા ક્રોસિંગ નજીક ત્રિપલ અકસ્માત

કારની ટક્કર વાગતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. આ ત્રિપલ અકસ્માતમાં રીક્ષા ચાલકને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

 ટેન્કર, એક કાર અને એક રીક્ષા અથડાયા

અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ત્રણેય વાહનોને રોડ પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટેન્કર ચાલક વિરુદ્ધ બેફામ ડ્રાઈવિંગ બદલ ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે.

આ પણ વાંચો: પાદરા રોડ પર નશામાં ધૂત કારચાલકે ગાડી ડિવાઇડર પર ચઢાવી, પોલીસની મદદથી બહાર કઢાયો