આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામે તસ્કરોએ આતંક મચાવ્યો છે. ગત મોડી રાત્રે તસ્કરોએ ગામમાં એકસાથે ત્રણ મકાનો અને એક દુકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.
બેચરી ગામે તસ્કરોએ આતંક મચાવ્યો
તસ્કરોએ બેચરી ગામમાં આયોજનબદ્ધ રીતે ત્રાટકીને બે રહેણાંક મકાનોમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ 4,11,500 રૂપિયાની મત્તાની ચોરી કરી છે. આ ઉપરાંત, તસ્કરોએ એક દુકાનનું તાળું તોડી ત્યાંથી 30 કિલોગ્રામ ચોખાનો કટ્ટો પણ ચોરી લીધો હતો. નવાઈની વાત એ છે કે, તસ્કરોએ શેરીમાં પાર્ક કરેલા બુલેટ બાઈકના હોર્નની પણ ચોરી કરી હતી, જે તેમની વિચિત્ર ચોરીની પદ્ધતિ દર્શાવે છે.
