સોશિયલ મીડિયાનો અતિરેક ક્યારેક કેટલો ભયાનક હોઈ શકે છે તેનો જીવતો જાગતો પુરાવો ઉમરેઠના ધુળેટા ગામે જોવા મળ્યો છે. મોબાઈલમાં વ્હોટ્સએપ સ્ટેટસ મૂકવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
ધુળેટા ગામે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ
ધુળેટા ગામના 'નાના મહેલ્લા'માં રહેતા એક જ કોમના બે પક્ષો વચ્ચે મોબાઈલ સ્ટેટસને લઈને બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ શાબ્દિક ટપાટપીએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને પક્ષના લોકો તલવાર, લોખંડની ટામી અને પથ્થરો જેવા ઘાતક હથિયારો સાથે સામસામે આવી ગયા હતા.
લોહિયાળ ખેલ અને ઈજાઓ
આ હિંસક હુમલામાં સામસામે પક્ષે ભારે પથ્થરમારો થયો હતો. હુમલામાંએક પુરુષના માથામાં તલવારનો ગંભીર ઘા વાગ્યો છે.અન્ય લોકોને લોખંડની ટામી અને પથ્થરમારાથી શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે.સામસામે પક્ષે કુલ ત્રણ પુરુષો અને એક મહિલા ગંભીર રીતે ઘવાયા છે.તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ઘટનાની જાણ થતા જ ઉમરેઠ પોલીસનો કાફલો ધુળેટા ગામે દોડી ગયો હતો. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે ગામમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને હુમલામાં સામેલ શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.
આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામની ઘડીઓ ગણાઈ, 4 મે અને 6 મેના રોજ જાહેર થશે ધોરણ 12 અને 10નું રિઝલ્ટ