મધ્ય ગુજરાતની રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વની એવી ઉમરેઠ વિધાનસભા બેઠક માટે આવતીકાલે પેટાચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સવારના 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

મતદારો અને ઉમેદવારોની વિગત

ઉમરેઠ વિધાનસભા બેઠક પર આ વખતે કુલ 2,45,623 મતદારો નોંધાયેલા છે, જેઓ 6 જેટલા ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો કરશે. ખાસ કરીને આ ચૂંટણીમાં યુવા મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં 4,174 મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં જોડાશે. આ ઉપરાંત, 1,644 જેટલા સિનિયર સિટીઝન મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરે તેવી અપેક્ષા છે.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે સમગ્ર ઉમરેઠ પંથકમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કુલ 306 મતદાન મથકો પર મતદાન યોજાશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે 3 CRPF કંપની અને 500 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ મથકો પર પોલીસની ખાસ નજર રહેશે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નિર્ભય બની વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો---    Local body election 2026 : DGPનો એક્શન પ્લાન જાહેર, 60 હજારથી વધુ જવાનો તૈનાત અને 1251 બૂથ અતિસંવેદનશીલ