આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર આગામી 23 એપ્રિલના રોજ યોજાનારી પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. ઉમરેઠ પોલીસ દ્વારા આજે શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.
CPMFના જવાનો અને પોલીસનું સંયુક્ત પેટ્રોલિંગ
ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI), એસ.ડી.પી.ઓ. (SDPO) અને સેન્ટ્રલ પેરા મિલિટરી ફોર્સ (CPMF) કંપનીના કમાન્ડરના નેતૃત્વમાં આ મેગા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કવાયતમાં CPMF કંપનીના 45 જવાનો અને સ્થાનિક પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો જોડાયો હતો. સુરક્ષા દળોએ પોલીસ સ્ટેશનથી શરૂ કરીને વડા બજાર, કુરેશી મોહોલ્લો, જાગનાથ ભાગોળ, પીપળીયા ભાગોળ અને કોર્ટ રોડ જેવા ગીચ વિસ્તારોમાં પગપાળા માર્ચ કરી હતી.













