ઉના શહેરના હાર્દ સમાન લાયબ્રેરી ચોક વિસ્તારમાં વહેલી સવારે આશરે 7 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જ્યારે શહેર ધીમે ધીમે જાગી રહ્યું હતું, ત્યારે એક અજાણ્યા શખ્સે એકલતાનો લાભ લઈ રસ્તે જતી એક યુવતીને પકડી પાડી તેને બળજબરીપૂર્વક પોતાની સાથે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
યુવતીની હિંમત અને CCTV ફૂટેજ
આ અણધાર્યા હુમલાથી ગભરાવાના બદલે યુવતીએ અદભૂત હિંમત દાખવી હતી. તેણે જોરજોરથી બૂમાબૂમ કરી પ્રતિકાર કરવાનું શરૂ કરતાં, પકડાઈ જવાની બીકે શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં નરાધમની કરતૂત સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વીડિયો સામે આવતા જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.










