ભાવનગરના બગદાણામાં કોળી સમાજના યુવાન નવનીત બાલધિયાને માર મારવાનો મુદ્દો હજી તાજો છે. ત્યારે ગીર સોમનાથના ઉના શહેરમાં બગદાણા જેવો કિસ્સો સામે આવ્યો છે. કોળી યુવકને માર મારતો એક વીડિયો વાયરલ થયો છે. અજાણ્યા શખ્સોએ કોળી યુવકને ઢીકા પાટુ અને પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનામાં પોલીસે યોગ્ય ફરિયાદ નહીં લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ગીર સોમનાથના ઉના શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો બનાવ સામે આવ્યો છે. શહેરમાં ભાવનગરના બગદાણા જેવો જ બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ કોળી યુવકને માર મારી વીડિયો બનાવી વાયરલ કર્યો હોવાની ચર્ચાઓ જાગી છે. ઉના શહેરના વરસિંગપુર રોડ પર સમીર ગેસ એજન્સી સામે એક યુવકને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો અને યુવકની ગાડીના કાચ પણ તોડી નાંખ્યા હતાં. ઉનામાં આ અજાણ્યા શખ્સો બેઠા હતાં અને રણજીત પુના બાંભણિયાએ ઠપકો આપતાં જ પાનના ગલ્લે બાબલ થઈ હતી.










