ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ગીરના જંગલની સરહદે આવેલા ઉના તાલુકાના ગામડાઓમાં વન્ય પ્રાણીઓનો વસવાટ વધતો જઈ રહ્યો છે. ત્યારે ઉનાના પાતાપુર ગામમાં ગત રાત્રે એક દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાની આ લટાર ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
સીસીટીવીમાં કેદ થઈ લાઇવ લટાર
પાતાપુર ગામમાં ગત રાત્રીએ અંદાજે 11:40 વાગ્યાની આસપાસ એક કદાવર દીપડો શિકારની શોધમાં લટાર મારતો જોવા મળ્યો હતો. ગામની શેરીઓમાં નિર્ભય બનીને ફરતા દીપડાના દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં દેખાતા જ સવારે આખા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, પાતાપુર ગામ વન્ય પ્રાણીઓના રહેઠાણ તરીકે જાણીતું છે, પરંતુ રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરીથી હવે પશુપાલકો અને સ્થાનિકો ચિંતિત બન્યા છે.
68 સીસીટીવી કેમેરાથી સજ્જ ગામ
ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાતાપુર ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામમાં 68 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ આધુનિક સુરક્ષા પ્રણાલીને કારણે જ દીપડાની હિલચાલ જાણી શકાઈ છે. ગ્રામ પંચાયતના આ સાવચેતીના પગલાંને કારણે રાત્રિના સમયે ગામમાં શું હિલચાલ થાય છે, તેની ચોકસાઈ રાખવામાં સરળતા રહે છે.
વન વિભાગને જાણ કરવાની તજવીજ
દીપડો ગામમાં દેખાતા જ સ્થાનિકો દ્વારા વન વિભાગને પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરવા માટે માગ કરવામાં આવી છે. રાત્રિના સમયે વાડી-ખેતરે જતા ખેડૂતોમાં પણ હવે વન્ય પ્રાણીના હુમલાનો ડર સતાવી રહ્યો છે.
આ પણ વાંચો - Gir Somnath News: તાલાલામાં યુવક અને સગીરાએ જીવન ટૂંકાવ્યું, પ્રેમ સંબંધની આશંકા









