ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક યુવકે અને સગીરા સાથે સાથે મળીને મોતને વહાલું કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રેમ સંબંધમાં સામાજિક વિરોધ અને લોકલાજના ડરથી આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


સમગ્ર ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, તાલાલાના બોરવાવ ગીર ગામમાં રહેતા યુવક અને એક સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હોવાની લોક ચર્ચા હતી. જોકે, આ સંબંધને સમાજ સ્વીકારશે નહીં અને પરિવારના વિરોધનો સામનો કરવો પડશે, તેવા ડર અને મુંઝવણને કારણે બંનેએ આત્મહત્યા કરી લીધી હોવાની ચર્ચા હાલ લોકો કરી રહ્યા છે. આ ઘટનાની જાણ થતા જ ગામના લોકો અને પરિજનો સ્તબ્ધ થઈ ગયા હતા. એકસાથે બે યુવાન જિંદગીઓના અંતને પગલે બોરવાવ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.




પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ તાલાલા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે તાલાલાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ મામલે ખરેખર કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે પરિવારજનો અને સ્થાનિકોના નિવેદનો લેવાની તજવીજ શરૂ કરી છે.


આ પણ વાંચો - Gir Somnath News : તાલાલા પંથકમાં ધરા ધ્રુજી, બપોરના સમયે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ


  • Follow us on: