ઉના તાલુકાના નેસડા ગામે એક યુવતીના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. પ્રથમ દ્રષ્ટિએ 'હાર્ટ એટેક' ગણાવવામાં આવેલું મંસુબેન ગોહીલનું મોત હવે એક સુનિયોજિત હત્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે મૃતક યુવતીના પ્રેમીની ફરિયાદના આધારે પોલીસે તેના પિતરાઈ ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ષડયંત્ર અને હત્યાનો કારસો
મળતી માહિતી મુજબ, મૃતક મંસુબેનના પિતરાઈ ભાઈઓ વિક્રમભાઈ અને મનુભાઈ દ્વારા જમીન પચાવી પાડવા માટે દબાણ કરવામાં આવતું હતું. સગાઈની મીટિંગના બહાને મંસુબેનને ઘરે બોલાવવામાં આવી હતી, જ્યાં તેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. હત્યાને છુપાવવા માટે પરિવારે તેને 'હાર્ટ એટેક'માં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને કોઈને ખબર ન પડે તે રીતે રાતોરાત નેસડા ગામના બદલે ઉના લઈ જઈ અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા.
