ઉત્તર ગુજરાતના વ્યસ્ત ગણાતા ઉંઝા-સિદ્ધપુર હાઇવે પર આજે ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. મકતુપુર અને બ્રાહ્મણવાડા ગામની વચ્ચે બેફામ ગતિએ દોડતી એક શટલિયા ઇકો કાર આઇસર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
ઉંઝા-સિદ્ધપુર હાઇવે પર અકસ્માત
મળતી માહિતી મુજબ, ઉંઝા-સિદ્ધપુર હાઇવે પર મકતુપુર પાસે પેસેન્જરો ભરીને જઈ રહેલી એક ઇકો કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર આગળ જઈ રહેલા આઇસર ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારના કુરચેકુરચા ઉડી ગયા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આસપાસના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
