આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને તેમના સંગીત પ્રત્યેના યોગદાન બદલ તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યું હતું. વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે આ મહોત્સવની શરૂઆત વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડની શરૂઆત 2010માં કરવામાં આવી હતી. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સંગીત નાટક અકાદમી દ્વારા દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે.
પ્રથમ અને બીજા દિવસના કાર્યક્રમો
પ્રથમ દિવસે સાંજે એવોર્ડ વિજેતા કલાપિની કોમકલી દ્વારા શાસ્ત્રીય ગાયન, નિલાદ્રી કુમાર દ્વારા શાસ્ત્રીય વાદન અને સુ ઇશાની દવે દ્વારા લોકસંગીતની પ્રસ્તૂતિ કરવામાં આવી હતી. કાર્યક્રમના બીજા દિવસે મુખ્ય અતિથિ તરીકે રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણ માળી ઉપસ્થિત રહેશે અને ડૉ. સુભદ્રા દેસાઇ દ્વારા શાસ્ત્રીય ગાયન, નિનદ અધિકારી અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રીય વાદન અને પાર્થ ઓઝા અને તેમની ટીમ દ્વારા લોકસંગીતની પ્રસ્તૂતિ કરવામાં આવશે.













