ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનમાં મોટા ફેરફાર કરતા વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોશીને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક બાદ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં હેમાંગ જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પક્ષે જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા તેઓ દિવસ-રાત મહેનત કરશે. હેમાંગ જોશીએ વધુમાં ઉમેર્યું કે, આગામી સમયમાં તમામ કાર્યકર્તાઓ સાથે મળીને પક્ષની વિચારધારાને છેવાડાના યુવાન સુધી પહોંચાડવામાં આવશે.
ભાજપ યુવા મોરચાના સારથિ
હેમાંગ જોશીએ ભાર મૂકતા કહ્યું કે, વડાપ્રધાનના 'વિકાસિત ભારત @2047' ના સ્વપ્નને સાકાર કરવામાં યુવા મોરચાની ભૂમિકા અત્યંત મહત્વની રહેશે. યુવાનો દેશના વિકાસની ગતિ સાથે જોડાય અને દેશભક્તિના ભાવ સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બને તેવો તેમનો મુખ્ય પ્રયાસ રહેશે. સંગઠનાત્મક કૌશલ્ય ધરાવતા હેમાંગ જોશીની આ નિમણૂકથી ગુજરાતના યુવા કાર્યકર્તાઓમાં નવો જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના લોકપ્રિય સાંસદ હોવાની સાથે હવે તેઓ સમગ્ર રાજ્યના યુવા મોરચાનું સુકાન સંભાળી સંગઠનને વધુ વેગવંતું બનાવશે.













