સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આગામી 30 ડિસેમ્બરના રોજ રાજ્યકક્ષાની 'આરોહણ-અવરોહણ' સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાને પગલે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 30 ડિસેમ્બરના રોજ સવારે 6:00 થી 10:00 વાગ્યા સુધી યાત્રિકો માટે ડુંગર પર પ્રવેશ બંધ રાખવામાં આવશે. આ 4 કલાક દરમિયાન માત્ર સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓને જ ડુંગર પર જવા દેવામાં આવશે, જેથી સ્પર્ધામાં કોઈ ખલેલ ન પહોંચે અને ખેલાડીઓની સુરક્ષા જળવાઈ રહે.
મોટી સંખ્યામાં યુવા સ્પર્ધકો ચોટીલા પહોંચ્યા
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં યુવા સ્પર્ધકો ચોટીલા ઉમટી પડશે. ડુંગરના પગથિયાં ઝડપથી ચઢવા અને ઉતરવાની આ રસાકસીભરી સ્પર્ધા દર વર્ષે આકર્ષણનું કેન્દ્ર બને છે. વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સવારે 10:00 વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે ડુંગરના દ્વાર રાબેતા મુજબ ખોલી દેવામાં આવશે. યાત્રિકોને કોઈ હાલાકી ન પડે તે માટે અગાઉથી જાણ કરવામાં આવી છે અને દૂર-દૂરથી આવતા પ્રવાસીઓને આ સમયગાળા મુજબ તેમનો પ્રવાસ ગોઠવવા વિનંતી કરવામાં આવી છે.













