ભારતીય તબીબી જગત માટે ઐતિહાસિક ગણાય તેવી 'ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત શતાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાસ હાજરી આપી હતી. દેશભરમાંથી 5000થી વધુ નામાંકિત ડૉક્ટરો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ તકે અમિત શાહે તબીબો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે અને ડૉક્ટરોએ દર્દીઓ સાથે આત્મીય સંવાદ જાળવી રાખી સસ્તી દવાઓ અને શ્રેષ્ઠ સારવાર સામાન્ય માણસ સુધી પહોંચાડવી જોઈએ.
ડૉક્ટરોએ સેવાનો સંકલ્પ લીધો
આ કોન્ફરન્સ માત્ર ચર્ચા પૂરતી મર્યાદિત ન રહેતા, તેમાં સામાજિક જાગૃતિના મહત્વના મુદ્દાઓ જેવા કે CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન), ઓર્ગન ડોનેશન (અંગદાન) અને બ્લડ ડોનેશન (રક્તદાન) પર ગહન મંથન કરવામાં આવ્યું હતું. ડૉક્ટરોએ મેડિકલ ક્ષેત્રે આવી રહેલા આધુનિક બદલાવો અને ટેકનોલોજીના ઉપયોગ અંગે પણ વિચારો રજૂ કર્યા હતા. કેન્દ્રીય મંત્રીએ ડૉક્ટરોની નિષ્ઠાને બિરદાવતા દેશના આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવાના સરકારના વિઝનને રજૂ કર્યું હતું. આ કાર્યક્રમે મેડિકલ જગતમાં સેવા અને નવીનતાનો નવો સંગમ રચ્યો છે.













