અમદાવાદમાં યોજાયેલા ભવ્ય કાંકરિયા કાર્નિવલ દરમિયાન અમદાવાદ પોલીસે સુરક્ષાની સાથે સાથે માનવીય સંવેદનાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉત્સવના માહોલમાં ભારે ભીડને કારણે પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા અંદાજે 52 જેટલા બાળકોને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમના વાલીઓ સાથે મિલન કરાવ્યું હતું. બાળકોને સુરક્ષિત જોઈને પરિવારોના આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. પોલીસે માત્ર બાળકો જ નહીં, પરંતુ ભીડમાં ખોવાયેલા લોકોના કિંમતી સામાન અને મોબાઈલ ફોન પણ જે-તે વ્યક્તિને સુરક્ષિત પરત સોંપીને ઈમાનદારી અને સતર્કતાનો પરિચય આપ્યો છે.
ખાખીની ઉમદા કામગીરી
કાંકરિયા કાર્નિવલમાં ઉમટી પડેલા લાખો પર્યટકોએ પોલીસની આ સરાહનીય કામગીરીને મુક્ત કંઠે બિરદાવી હતી. મેળાના સ્થળ પર ઠેર-ઠેર પોલીસ હેલ્પ ડેસ્ક અને સતત પેટ્રોલિંગને કારણે કોઈ પણ અઘટિત ઘટના બનતા અટકી હતી. સામાન્ય રીતે પોલીસની કડક છબી જોવા મળતી હોય છે, પરંતુ આ ઘટનામાં પોલીસની મમતા અને ત્વરિત નિર્ણયશક્તિએ નાગરિકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો અમદાવાદ પોલીસની આ કામગીરીને અભિનંદન પાઠવી રહ્યા છે.













