પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે રવી સિઝનમાં કુલ 1,68,194 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાંથી સૌથી વધુ વાવેતર ચણાનું 50,745 હેક્ટર વિસ્તારમાં થયું છે. ઉપરાંત જીરું, રાઈ, ઘઉં, ઘાસચારો, અજમો અને અન્ય શિયાળુ પાકોમાં પણ ખેડૂતોએ વિશાળ પાયે વાવેતર કર્યું છે.
તાજેતરના વર્ષોમાં ખેડૂતોનું વલણ બદલાયુ
તાજેતરના વર્ષોમાં ખેડૂતોનું વલણ બદલાઈ રહ્યું છે, જેના કારણે હવે ડુંગળી, બટાકા, મેથી જેવા નફાકારક અને બજારમાં માંગવાળા પાકોની તરફ પણ ખેડૂતો વળી રહ્યા છે.
ચોમાસામાં નુકસાન બાદ રવી સિઝનથી અપેક્ષા
આ વર્ષે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ અને સતત પાણી ભરાવાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવું પડ્યું હતું. આ નુકસાનની ભરપાઈ માટે ખેડૂતો રવી સિઝનમાં વધુ ઉત્પાદન મળી રહે અને સારી આવક થાય તે આશા સાથે તમાકુ, ચણા, રાઈ, જીરું, ઇસબગુલ, વરિયાળી, શાકભાજી, મેથી, અજમો, ગાજર અને ધાણા જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું છે.
રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો, પાકને સારો ભાવ મળવાની આશા
હાલના હવામાન અને પરિસ્થિતિને ધ્યાનમાં લેતા શિયાળુ પાકોમાં રોગ અને જીવાતોનો ઉપદ્રવ ઘણો ઓછો જોવા મળી રહ્યો છે. જેના કારણે પાકની વૃદ્ધિ સારી છે અને ખેડૂતોએ આ વર્ષે સારા ઉત્પાદન અને યોગ્ય બજારભાવ મળવાની આશા વ્યક્ત કરી છે.
આ વર્ષે રવી પાકનો કુલ ઉત્પાદન વધુ મળ
કૃષિ વિભાગે જણાવ્યું છે કે, જો આ જ વલણ ચાલુ રહેશે તો પાટણ જિલ્લામાં આ વર્ષે રવી પાકનો કુલ ઉત્પાદન વધુ મળશે અને ખેડૂતોની સ્થિતિમાં સુધારો જોવા મળશે.
આ પણ વાંચો--- Gujarat Flashback 2025 : આ વર્ષે રાજ્યના અલગ અલગ શહેરોના 338 અસામાજિક તત્વો સામે GUJCTOC નો ગુનો નોંધાયો