વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં આજે ફરી એકવાર બેફામ દોડતા ભારે વાહનોએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. પાદરાની વ્યસ્ત ગણાતી ફૂલબાગ ચોકડી પર એક ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ડમ્પરના ટાયર નીચે આવી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

પાદરામાં ભારે વાહનોનો આતંક

મળતી માહિતી મુજબ, પાદરાની ફૂલબાગ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા બાઈક ચાલકને પૂરઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર સીધો ડમ્પરના પૈડા નીચે આવી ગયો હતો, જેના કારણે તેનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

ટ્રાફિક જામ અને લોકરોષ

અકસ્માતને પગલે પાદરા-જંબુસર હાઈવે પર આવેલી ફૂલબાગ ચોકડી પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે પાદરાના આંતરિક રસ્તાઓ પર ભારે વાહનો બેફામ ગતિએ દોડતા હોવાથી અવારનવાર આવી જાનહાનિ સર્જાતી રહે છે.

આ પણ વાંચો: Surat: કાપોદ્રાની 3 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો, સુરત ક્રાઇમ બ્રાન્ચે રતલામ પાસેના અંતરિયાળ વિસ્તારમાંથી બાળકીને શોધી કાઢી