વડોદરાના સૌથી વ્યસ્ત ગણાતા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બસ સ્ટેશનના ઉપરના ભાગનું લોખંડનું તોતિંગ સ્ટ્રક્ચર (શેડ) અચાનક ધરાશાયી થઈને નીચે ઉભેલા રાહદારીઓ પર ખાબક્યું હતું. આ ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું લોખંડના કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલ છે.

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર દુર્ઘટના

દુર્ઘટનાને પગલે બસ સ્ટેશન પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર ટીમે તાત્કાલિક કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે જે સમયે આ સ્ટ્રક્ચર પડ્યું તે સમયે ત્યાં કોઈ બસની અવરજવર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, નહિતર મોટી સંખ્યામાં મુસાફરો ભોગ બની શક્યા હોત.

લોખંડનો શેડ તૂટી પડતા એક રાહદારીનું મોત

હાલમાં પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને બસ વ્યવહારને અન્ય પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આટલું મજબૂત ગણાતું સ્ટ્રક્ચર અચાનક કયા કારણોસર ધરાશાયી થયું? શું મેઈન્ટેનન્સનો અભાવ હતો કે પછી અન્ય કોઈ કારણ? હાલમાં કાટમાળ નીચે કોઈ અન્ય વ્યક્તિ ફસાયેલી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત IPS એસોસિએશનની નવી ટીમ જાહેર, જી.એસ. મલિક બન્યા પ્રમુખ, 8મા પગાર પંચ મુદ્દે લેવાયો મહત્વનો નિર્ણય