નેશનલ હાઈવે-48 પર નંદેસરી પોલીસ મથકની હદમાં ફરી એકવાર બેફામ ડ્રાઈવિંગે નિર્દોષનો ભોગ લેતા-લેતા રહી ગયો છે. ખેડાથી લોખંડના એંગલ્સ ભરીને તમિલનાડુ જઈ રહેલું એક ટ્રેલર રોંગ સાઈડમાં આવીને દુકાનમાં ઘૂસી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.


ટ્રેલર રોંગ સાઈડમાં આવીને દુકાનમાં ઘૂસી 

સાંકરદા બ્રિજ પાસે દુર્ગા એસ્ટેટના ગેટ નજીક આ અકસ્માત સર્જાયો હતો. ખેડા તરફથી આવી રહેલા ટ્રેલરના ચાલકે નેશનલ હાઈવે પર નિયમોનું ઉલ્લંઘન કરી રોંગ સાઈડમાં વાહન હંકાર્યું હતું. અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેલર રોડ સાઈડની એક ડ્રાયફ્રૂટની દુકાન અને તેની બાજુમાં આવેલા રૂમ સાથે ધડાકાભેર અથડાયું હતું.

નિદ્રામાં રહેલા શ્રમિકો પર કાળ ત્રાટક્યો

અકસ્માત એટલો જોરદાર હતો કે દુકાનની બાજુના રૂમની દિવાલ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. રૂમમાં આરામ કરી રહેલા અમિતકુમાર રામ નામના યુવાન પર દિવાલ પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, રૂમમાં સૂઈ રહેલા અન્ય પાંચથી છ લોકો સમયસૂચકતા વાપરી તુરંત બહાર નીકળી જતાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. ટ્રેલર ચાલકને પણ શરીરે ઈજાઓ પહોંચતા તેને પણ સારવાર હેઠળ દાખલ કરાયો છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ નંદેસરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે લોખંડના એંગલ્સ ભરેલા ટ્રેલરને સાઈડમાં કરી ટ્રાફિક હળવો કર્યો હતો. ટ્રેલર ચાલક વિરુદ્ધ રોંગ સાઈડમાં વાહન ચલાવવા અને લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Patan: નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે હોબાળો, ભાજપના જ બે કોર્પોરેટરો જાહેરમાં બાખડ્યા

  • Follow us on: