વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન સુરક્ષાના કોઈ ચોક્કસ પગલાં કે બેરિકેડિંગ ન હોવાને કારણે ચાલતા પસાર થઈ રહેલા એક 45 વર્ષીય રાહદારી ગટરની ચેમ્બરમાં ખાબક્યા હતા. 45 વર્ષીય વિપુલ સિંહ ઝાલા જ્યારે માંજલપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં પડી ગયા હતા. ગટરના ગંદા પાણીમાં ડૂબી જવાને કારણે તેમનો શ્વાસ રુંધાયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.


ડ્રેનેજના પાણીમા ડૂબી જતા યુવકનું મોત

ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી વિપુલ સિંહને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, કમનસીબે ડ્રેનેજના પાણીમાં ડૂબી જવાને કારણે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા ડ્રેનેજની કામગીરીમાં સુરક્ષાના કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું નથી, જેની કિંમત સામાન્ય નાગરિકોએ પોતાના જીવથી ચૂકવવી પડે છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: