વડોદરાના પ્રવાસીઓ માટે હવાઈ સફરનો અનુભવ અત્યંત કડવો અને ભયજનક સાબિત થયો છે. વડોદરા એરપોર્ટ પરથી ટેક-ઓફ કરવા માટે તૈયાર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં એક મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ફ્લાઇટની અંદર જ અચાનક વીજળી ગુલ થઈ જતાં તમામ પેસેન્જરો અડધા કલાક સુધી અંધારામાં અને બંધ વાતાવરણમાં કેદ થઈ ગયા હતા, જેના કારણે એરપોર્ટ પર ભારે હોબાળો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વડોદરા એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની બેદરકારી
મળતી વિગતો અનુસાર, આ ઘટના ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 657 માં બની હતી. ગઈકાલે રાત્રે આશરે ૮:૫૦ વાગ્યે ફ્લાઇટમાં અચાનક કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે વિમાનનો મુખ્ય પાવર સપ્લાય સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રાત્રે ૯:૧૫ વાગ્યા સુધી (આશરે ૨૫ મિનિટ) વિમાનમાં વીજળી આવી નહોતી. પાવર ગુલ થવાના કારણે વિમાનની અંદર લાઇટો બંધ થઈ ગઈ હતી અને સૌથી ગંભીર બાબત એ હતી કે એર કન્ડીશનીંગ (AC) સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી.
