વડોદરામાં મોડી રાત્રે વાહનોની સ્પીડ મર્યાદા અને ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતો એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા અક્ષર ચોક નજીક પેટ્રોલ પંપ સામે એક કાર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ડિવાઇડર પર ચડી ગઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે કાર ઝાડ અને લોખંડના થાંભલા સાથે અથડાઈને ફસાઈ ગઈ હતી.

ચાલક નશામાં હોવાની આશંકા સાથે ફરાર

જેપી રોડ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, અકસ્માત સર્જાયાના ગણતરીના સમયમાં જ કાર ચાલક પોતાના વાહનને ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, કારની સ્પીડ ખૂબ જ વધારે હતી અને ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે.

સદનસીબે જાનહાનિ ટળી, સ્થાનિકોમાં આક્રોશ

આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કારમાં સવાર અન્ય કોઈ વ્યક્તિ કે રસ્તા પરથી પસાર થતા નાગરિકોને ઈજા થઈ નથી, જેથી મોટી જાનહાનિ ટળી છે. જો કે, અક્ષર ચોક અને ઓલ્ડ પાદરા રોડ જેવા વિસ્તારોમાં મોડી રાત્રે નબીરાઓ દ્વારા ફૂલ સ્પીડમાં વાહનો દોડાવવાના વધી રહેલા બનાવોને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ અને સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી રહ્યા છે. જેપી રોડ પોલીસે ગાડીના નંબરના આધારે ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો: Bhavnagar: ઘોઘાગેટ પોલીસ ચોકી સામે સિટી બસમાં તોડફોડ-ચાલક પર હુમલો, કર્મચારીઓની હડતાળથી મુસાફરો અટવાયા