વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ અંબિકા એપાર્ટમેન્ટમાં ગત મોડી રાત્રે બાલ્કની ધરાશાયી થવાની ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. એપાર્ટમેન્ટનો એક મોટો હિસ્સો તૂટી પડતા એક મહિલાને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા તાત્કાલિક 30 જેટલા મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા છે.
તંત્રની કાર્યવાહી અને અધિકારીનું નિવેદન
સમગ્ર મામલે પાલિકાના કાર્યપાલક ઈજનેર અનુપ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, "ગઈકાલે રાત્રે આ અંગેનો કોલ મળ્યો હતો. બિલ્ડીંગ અંદાજે 20 થી 25 વર્ષ જૂનું છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન ચલાવી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હવે બિલ્ડીંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવામાં આવશે અને તે રિપોર્ટ આવ્યા બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે.
