વડોદરા શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ પ્રતિબંધિત ઈ-સિગારેટના વેચાણ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાપોદ વિસ્તારમાં આવેલા જેની રેસીડેન્સી માં દરોડા પાડીને પોલીસે લાખોની કિંમતની ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી આ તપાસમાં ઘટનાસ્થળેથી કુલ રૂ. 14.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે સેફાનબાબા મેમણ નામના શખ્સની ધરપકડ કરી છે.
SOG નો સપાટો
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી સેફાનબાબા મેમણ આ પ્રતિબંધિત ઈ-સિગારેટનું શહેરમાં છૂટક વેચાણ કરતો હતો. પોલીસ સમક્ષ આરોપીએ કબૂલાત કરી છે કે તે આ નશાકારક ઈ-સિગારેટનો જથ્થો ઇબ્રાહિમ બિલાવાલા નામના વ્યક્તિ પાસેથી મંગાવતો હતો. આ કબૂલાત બાદ પોલીસે મુખ્ય સપ્લાયર ઇબ્રાહિમ બિલાવાલા સુધી પહોંચવા અને આ નેટવર્કનો સંપૂર્ણ પર્દાફાશ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સરકાર દ્વારા ઈ-સિગારેટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં, ચોરીછૂપીથી ચાલતા આ વેપારને ડામવા વડોદરા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ બાપોદ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.













