વડોદરા જિલ્લાના વાઘોડિયા પંથકમાં રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. વાઘોડિયા-વડોદરા રોડ પર આવેલા ગુગલીયાપુરા બસ સ્ટેન્ડ પાસે આજે ભરચક ટ્રાફિક વચ્ચે બે આખલાઓ સામસામે બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાહેર માર્ગ પર લાંબા સમય સુધી ચાલેલા આ 'આખલા યુદ્ધ'ને કારણે વાહનચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.


વાઘોડિયા વડોદરારોડ પર વારંવાર આ પ્રકારના દ્રશ્યો

વાઘોડિયા નગરપાલિકાના હદ વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. ગુગલીયાપુરા પાસે બે તોતિંગ આખલાઓ એકબીજા સાથે લડતા-લડતા રોડની વચ્ચે આવી ગયા હતા, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રોડ પર અવારનવાર આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.

નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

ચોંકાવનારી વાત એ છે કે, વાઘોડિયા નગરપાલિકા પાસે ઢોર પકડવા માટે અલગથી 'ઢોર ડબ્બો' ફાળવવામાં આવ્યો છે, તેમ છતાં પાલિકા તંત્ર રખડતા ઢોરને ડબ્બે પૂરવામાં નિષ્ફળ સાબિત થયું છે. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો આ લડાઈ દરમિયાન કોઈ વાહનચાલક સાથે અકસ્માત સર્જાય કે કોઈનો જીવ જાય તો તેનો જવાબદાર કોણ? લોકોમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને સત્વરે રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: