વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે વેપારી હરેશ પટેલનું આઠ જેટલા શખ્સો દ્વારા ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. કપચીના બાકી નીકળતા આશરે 8.53 લાખ રૂપિયાની ઉઘરાણી માટે રચાયેલા આ ગુનાહિત કાવતરામાં વેપારીને નિર્દયતાથી અપહરણ કરી લીમડી લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યા હતા.


વાઘોડિયામાં વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ

પ્રાપ્ત માહિતી અનુસાર, વાઘોડિયાના કમલાપુરામાં રહેતા હરેશ પટેલ સાથે આરોપીઓનું કપચીના વ્યવહારને લઈને નાણાકીય લેતીદેતી ચાલી રહી હતી. આ બાકી નાણાંની ઉઘરાણી કરવા માટે ચંદુભાઈ બાવળીયા, પ્રવિણસિંહ ડૈયા સહિતના 8 શખ્સોએ એક ગુનાહિત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ હરેશ પટેલને વાઘોડિયા ખાતેથી આંતરીને બળજબરીપૂર્વક ગાડીમાં ઉઠાવી લીધા હતા.

લીમડીમાં ગોંધી રાખી ધમકી

અપહરણ કર્યા બાદ આરોપીઓ હરેશ પટેલને વાઘોડિયાથી સીધા લીમડી લઈ ગયા હતા. ત્યાં એક અવાવરૂ જગ્યાએ તેમને ગોંધી રાખીને 24 કલાકમાં પૈસા ચૂકવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જો પૈસા નહીં મળે તો જાનથી મારી નાખવાની ધમકી મળતા વેપારી ભયભીત બની ગયા હતા.

પોલીસ કાર્યવાહી

ઘટનાની ગંભીરતા સમજીને વાઘોડિયા પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં સંડોવાયેલા આઠમાંથી 5 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ પોલીસની પકડથી દૂર છે. હાલમાં પોલીસ દ્વારા અપહરણ અને મારપીટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Aravalli: શામળાજીના ડુંગરામાં ભીષણ આગનો તાંડવ, વનરાજી સળગીને ખાખ


  • Follow us on: