વડોદરામાં બેફામ ગતિએ વાહન હંકારતા ચાલકોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના પોશ ગણાતા અકોટા વિસ્તારમાં વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેકાબૂ કાર ડિવાઈડર કૂદીને સીધી જ રસ્તા પાસે આવેલા ઘરમાં ઘૂસી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના કાળજું કંપાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

અક્ષરધામ સોસાયટીમાં વહેલી સવારે સર્જાયો અકસ્માત

ઘટનાની વિગત મુજબ, અકોટાની અક્ષરધામ સોસાયટી પાસે વહેલી સવારે જ્યારે લોકો નિદ્રાધીન હતા, ત્યારે એક પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી ગતિમાં હતી કે તે ડિવાઈડર સાથે અથડાઈને તેને કૂદી ગઈ હતી અને સીધી જ સોસાયટીના એક મકાનમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે.

નશામાં ધૂત હોવાની આશંકા અને ધરપકડ

અકસ્માત બાદ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. કાર ચાલકની હરકતો જોતા તે નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ જે.પી. રોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર એક વ્યક્તિની અટકાયત કરી છે.ચાલકનું બ્લડ સેમ્પલ લઈને તે નશામાં હતો કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

CCTVમાં કેદ થઈ લાઇવ ટક્કર

સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર કેવી રીતે ઉડતી આવીને મકાન સાથે અથડાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરીજનોમાં નશાખોર નબીરાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Surat: લિંબાયતમાં આતંક મચાવનાર ગુંડાઓનું રુસ્તમ પાર્કમાં જ જાહેરમાં કાઢ્યું સરઘસ