વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે 48 પર આજે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. કરજણ પાસેથી પસાર થઈ રહેલી એક કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ચકચાર મચી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

કરજણ NH 48 પર અકસ્માતમાં 1નું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર, એક કાર વડોદરાથી ભરૂચ તરફ જઈ રહી હતી ત્યારે કરજણ નજીક નેશનલ હાઈવે પર કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ટ્રકની પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના કુરચેકુરચા ઉડી ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ફાયરે કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યો

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. કારમાં ફસાયેલા મૃતદેહને ફાયર ફાઈટરોએ કટરની મદદથી બહાર કાઢવો પડ્યો હતો. ઈજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: કતારગામના વેપારી સાથે 1.05 કરોડની ઠગાઈ, ગાંધીનગરના શખ્સે જમીન ક્લિયરન્સના નામે ખેલ પાડ્યો