શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકમાં લોકરની સુરક્ષા રામ ભરોસે હોય તેવી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. બેંકના લોકરમાં મૂકવામાં આવેલું ગ્રાહકનું આશરે 35 તોલા સોનું રહસ્યમય રીતે ગાયબ થઈ જતાં બેંકિંગ આલમમાં ખળભળાટ મચી ગયો છે.
બેંકના લોકરમાં મૂકવામાં આવેલું ગ્રાહકનું સોનું ગાયબ
મળતી માહિતી મુજબ, નરેન્દ્ર શાહ નામના ગ્રાહકે આ બેંકમાં વર્ષોથી લોકરની સુવિધા લીધેલી છે. તેમના ઘરે બે દિવસ બાદ દીકરીના લગ્ન હોવાથી તેઓ દાગીના લેવા માટે બેંક પહોંચ્યા હતા. જ્યારે તેમણે લોકર ખોલ્યું ત્યારે અંદરથી તમામ દાગીના ગાયબ હોવાનું જણાતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. લોકરમાંથી અંદાજે 35 તોલા સોનાના ઘરેણાંની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.
બેંક સત્તાધીશો દ્વારા મૌન ધારણ કરી લેવામાં આવ્યું
આટલી મોટી રકમના દાગીના ગાયબ થવા છતાં બેંક સત્તાધીશો દ્વારા સંતોષકારક જવાબ આપવાને બદલે મૌન ધારણ કરી લેવામાં આવ્યું છે. બેંક મેનેજમેન્ટ દ્વારા હાલ કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકોમાં બેંકની વિશ્વસનીયતા સામે રોષ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર શાહે આ મામલે તાત્કાલિક બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. લોકર ઓપરેટ કરવાના રજીસ્ટર, સીસીટીવી ફૂટેજ અને બેંકના સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે. દીકરીના લગ્ન ટાણે જ આટલી મોટી ચોરી થતાં શાહ પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો છે.
આ પણ વાંચો: Gir Somnath: શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી લાખોની ખંડણી વસૂલતી ગેંગ ઝડપાઈ, પ્રેસના નામે આપતા હતા ધમકી