ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં પંચાયતના શાસકો અને ગ્રામજનો સામસામે આવી ગયા છે. ગામના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સાથે ગ્રામજનો પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં ડેપ્યુટી સરપંચની દાદાગીરીનો નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર કેયુર ઠાકોર દ્વારા કરવામાં આવેલા કામોમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ બાબતે જ્યારે ગ્રામજનોએ તલાટી અને સરપંચની હાજરીમાં સવાલો કર્યા, ત્યારે ડેપ્યુટી સરપંચ ઉપેન્દ્ર જાદવ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ભ્રષ્ટાચારની તપાસ કરાવવાને બદલે કોન્ટ્રાક્ટરનો બચાવ કરવાનું શરૂ કર્યું હતું.
જાહેરમાં આપી ધમકી
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પંચાયતના જવાબદાર અધિકારીઓ (તલાટી) અને સરપંચની હાજરીમાં જ ડેપ્યુટી સરપંચે ગ્રામજનોને ધમકાવ્યા હતા. તેમણે ઉદ્ધત અવાજે કહ્યું કે, "તમારાથી જે થાય તે કરી લેજો, અમારે કોઈનાથી ડરવાની જરૂર નથી." આ પ્રકારની ખુલ્લી ધમકીના કારણે પંચાયત કચેરીમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. ડેપ્યુટી સરપંચના આ વર્તન બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ હવે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની અને ભ્રષ્ટાચાર તેમજ ડેપ્યુટી સરપંચની દાદાગીરી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પંચાયતના પવિત્ર ધામમાં જનતાના સેવક દ્વારા જ જનતાને ધમકાવવાની આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.













