સંસ્કારી નગરી વડોદરામાં આજે એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના બની છે. વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસે પોલીસ હેડ ક્વાર્ટરની નજીક એક કાર ચાલકને ચાલુ વાહને હાર્ટ એટેક આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક વૃદ્ધનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.


ચાલુ કારે કાળનો પંજો

ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી જાનકી પાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષીય હિતેશભાઈ સૂર્યકાંત ઠક્કર આજે પોતાની કાર લઈને કોઠી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમને હૃદયરોગનો હુમલો (Heart Attack) આવતા તેમણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કારે રસ્તા પર જતી એક કાર અને બે ટુ-વ્હીલર વાહનોને જોરદાર ટક્કર મારી હતી.

ઘટનાસ્થળે જ વૃદ્ધનું મોત

અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, હાર્ટ એટેક એટલો તીવ્ર હતો કે હિતેશભાઈ ઠક્કરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ભયાનક ટક્કરમાં અન્ય બે વાહનચાલકો પણ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતક હિતેશભાઈના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો છે. ચાલુ વાહને એટેક આવવાની આ ઘટનાએ ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય બાબતે ગંભીર ચર્ચાઓ જગાડી છે.


આ પણ વાંચો - Vadodara ની ત્રણ નામાંકિત શાળાઓ પાસે કરોડોનું ભાડું અને વ્યાજ બાકી, પાલિકાએ ફટકારી નોટિસ


  • Follow us on: