વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની ત્રણ પ્રતિષ્ઠિત શાળાઓ—ન્યુ એરા, મહારાણી અને તેજસ સ્કૂલને અંદાજે 201 કરોડ રૂપિયાનું ભાડું અને વ્યાજ ચૂકવવા માટે નોટિસ ફટકારવામાં આવતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે. પાલિકાની જમીન પર ચાલતી આ શાળાઓનું ભાડું અગાઉ ખૂબ જ ઓછું હતું, પરંતુ બાકી રકમ અને તેના પરના વ્યાજનો આંકડો હવે કરોડોમાં પહોંચ્યો છે. આ વિવાદ વચ્ચે ન્યુ એરા સ્કૂલમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના શિક્ષણમંત્રી અને રિવાબા જાડેજા સહિત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુની હાજરીએ નવા વિવાદને જન્મ આપ્યો છે. વાલી અગ્રણીઓએ આ બાબતે રોષ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યા છે કે જે સંસ્થાને પાલિકાએ જ નોટિસ આપી હોય, ત્યાં જ ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ કેવી રીતે હાજર રહી શકે?


સ્કૂલ ફી અને જમીન ભાડાનો વિવાદ

વાલી અગ્રણી એલ્ડરીન થોમસે આક્ષેપ કર્યો છે કે શાળાઓ દ્વારા સતત ફીમાં વધારો કરવામાં આવતા વાલીઓએ અગાઉ આંદોલન પણ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, શાળાઓ પાલિકાની સામે હાઈકોર્ટમાં ગઈ હતી, પરંતુ તંત્રની આ ઢીલી નીતિને કારણે સામાન્ય જનતામાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. નેતાઓ અને તંત્ર વચ્ચેની સાંઠગાંઠના આક્ષેપો સાથે તેમણે ઉમેર્યું કે, ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ આ શાળાઓમાં ભણ્યા હોવાથી કોઈ ખુલીને બોલતું નથી. ₹1200 જેવી મામૂલી રકમથી શરૂ થયેલા જમીન ભાડાનો વિવાદ હવે ₹201 કરોડના તોતિંગ આંકડા સુધી પહોંચ્યો છે, ત્યારે પાલિકા આ રકમ વસૂલવામાં સફળ રહેશે કે કેમ તે જોવું રહ્યું.

આ પણ વાંચો : 

  • Follow us on: