વડોદરા જિલ્લાના સાવલી-વડોદરા રોડ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. સાવલી રોડ પર આવેલા ગોઠડા ગામ પાસેથી પસાર થઈ રહેલા એક ડમ્પરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ડમ્પર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે.


ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, સાવલી-વડોદરા રોડ પર ગોઠડા ગામ નજીકથી ડમ્પર નંબર GJ 17 XX 8639 પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન અચાનક ડમ્પરમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ડમ્પરમાં આગ ભભૂકી ઉઠતા રોડ પર પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. આગ લાગતા જ ડમ્પર ચાલક સાવધ થઈ ગયો હતો અને સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.

બે ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ

આગની જાણ થતા જ મંજુસર GIDC અને જયુબિલન્ટ કંપનીની ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. બે ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ડમ્પરનો આગળનો ભાગ અને કેબિન સંપૂર્ણપણે બળી ગયા હતા.

ટ્રાફિક જામ અને પોલીસની કાર્યવાહી

આ ઘટનાને પગલે સાવલી-વડોદરા હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ થતા જ સાવલી પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો - Vadodara માં પાલિકાના ટ્રકની અડફેટે સાયકલચાલકનું મોત, વડસર રોડ પર જીવલેણ અકસ્માત


  • Follow us on: