વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરભુજ ગામે આજે એકાએક આગ લાગવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. ગામમાં આવેલા પરમાર ફળિયામાં એક મકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી બાજુના અન્ય બે મકાનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. આ દુર્ઘટનામાં ત્રણ મકાનોમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે.


મકાનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ

પ્રાથમિક તપાસ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પરમાર ફળિયાના એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક તણખા ઝર્યા હતા અને આગ ફાટી નીકળી હતી. પવન અને જ્વલનશીલ ચીજવસ્તુઓના કારણે આ આગ બાજુમાં આવેલા અન્ય બે મકાનોમાં પણ પ્રસરી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખું ફળિયું ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયું હતું.

ફાયર બ્રિગેડની કામગીરી

ઘટનાની જાણ થતા જ કરજણ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ચોરભુજ ગામે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી. સદનસીબે, આગ લાગતા જ ઘરમાં રહેલા લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતની વાત છે.

આ પણ વાંચો: Ahmedabad: રોયલ અકબર ટાવર પાસે હિટ એન્ડ રન, ડમ્પરની અડફેટે યુવકે જીવ ગુમાવ્યો


  • Follow us on: