વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) માં ફાયર સૈનિકની ભરતી પ્રક્રિયા લાંબા સમયથી ખોરંભે પડતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંદાજે 11 મહિના પહેલા આ ભરતી માટેની પ્રેક્ટિકલ એટલે કે શારીરિક ક્ષમતાની કસોટી સફળતાપૂર્વક લેવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ આજદિન સુધી બીજા તબક્કાની થિયરીકલ (લેખિત) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું નથી. તંત્રની આ ઢીલી નીતિથી કંટાળીને આજે ગુજરાતભરમાંથી આવેલા 20થી વધુ ઉમેદવારોએ વડોદરા મનપા કમિશનર કચેરી ખાતે ધામા નાખ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.

તંત્રના વાંકે ઉમેદવારો હેરાન

ઉમેદવારોનો આક્ષેપ છે કે, પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કર્યાને પોણો વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. રાજ્યના ખૂણેખૂણેથી સરકારી નોકરીની આશાએ આવેલા આ યુવાનોનું ભવિષ્ય અત્યારે અદ્ધરતાલ છે. કમિશનર કચેરીએ પહોંચેલા નોકરી વાંચ્છુંઓએ માંગ કરી હતી કે વહેલી તકે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે જેથી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. જો આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉમેદવારોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.