વડોદરાના જાણીતા ક્રિકેટ પરિવારના સભ્ય અને પૂર્વ ક્રિકેટર રિશી આરોઠે ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. મુંબઈની એક વૃદ્ધાને 'ડિજિટલ એરેસ્ટ' કરી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવાના હાઈ-પ્રોફાઈલ કેસમાં વડોદરા પોલીસે રિશી આરોઠેની ધરપકડ કરી છે.

વડોદરામાં પૂર્વ ક્રિકેટરની ધરપકડ 

મુંબઈમાં રહેતા એક વૃદ્ધાને નિશાન બનાવી ઠગ ટોળકીએ તેમને ફોન કર્યો હતો. આરોપીઓએ પોતાની ઓળખ ચેન્નાઈ પોલીસ તરીકે આપી હતી અને વૃદ્ધાને કોઈ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું કહી ડરાવ્યા હતા. ત્યારબાદ તેમને 'ડિજિટલ એરેસ્ટ' કરી, કેસમાંથી મુક્તિ અપાવવાના બહાને તેમની પાસેથી કુલ ₹32 લાખની માતબર રકમ પડાવી લીધી હતી. આ કેસની તપાસના તાર વડોદરા સુધી લંબાયા હતા, જેમાં રિશી આરોઠેની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી છે.

વિવાદો સાથે જૂનો નાતો

નોંધનીય છે કે રિશી આરોઠે વડોદરાના પૂર્વ ક્રિકેટ કોચ તુષાર આરોઠેના પુત્ર છે. રિશી અગાઉ પણ છેતરપિંડી અને સટ્ટાબાજી જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ હાથે ઝડપાઈ ચૂક્યા છે. પૂર્વ ક્રિકેટર હોવા છતાં ગુનાખોરીના રસ્તે ચડી ગયેલા રિશીની આ ધરપકડથી વડોદરાના સ્પોર્ટ્સ જગતમાં પણ ભારે ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ₹32 લાખની ઠગાઈમાં રિશીની ભૂમિકા શું હતી અને તેની સાથે અન્ય કેટલા લોકો સામેલ છે.

આ પણ વાંચો: Junagadh: જોશીપરામાં 15 વર્ષથી ઓળખ છુપાવી રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ