વડોદરા શહેરના હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી નજીક આજે ગેસ પાઇપલાઇનમાં ભંગાણ પડવાની ગંભીર ઘટના બની હતી. આ ભંગાણ માઇક્રો ટનલિંગની પ્રક્રિયા દરમિયાન થયું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે કામગીરીમાં રહેલી બેદરકારી ઉજાગર થઈ છે. પાઇપલાઇનમાં ભંગાણ પડતાં તેમાંથી ગેસના ઊંચા ફુવારા ઉડ્યા હતા, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. સુરક્ષાના કારણોસર તુરંત જ આસપાસના વિસ્તારોમાં ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
સ્થાનિકોમાં ગભરાટ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા ગેસ લિમિટેડ (VGL)ના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અધિકારીઓએ તુરંત પાઇપલાઇનમાંથી ગેસ લિકેજ બંધ કરવા માટેની કામગીરી શરૂ કરી દીધી હતી. વર્તમાનમાં, ભંગાણવાળી પાઇપલાઇનનું સમારકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ગેસ પુરવઠો વહેલી તકે પૂર્વવત કરી શકાય. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના થઈ નથી.
