વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે 'ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે'. 61 વર્ષીય વૃદ્ધ ભુપેન્દ્રભાઈ પટેલ, જેઓ ખતરનાક બ્લેક ફંગસ (મ્યુકરમાઈકોસીસ) નો ભોગ બન્યા હતા, તેમને ગોત્રી હોસ્પિટલના તબીબોએ સફળ સર્જરી કરી નવજીવન આપ્યું છે.


ખાનગી હોસ્પિટલોની નિરાશા બાદ આશાનું કિરણ

ભુપેન્દ્રભાઈને આંખમાં ગંભીર સમસ્યા જણાતા પરિવારે અનેક ખાનગી હોસ્પિટલોના દરવાજા ખખડાવ્યા હતા. જોકે, ફંગસ આંખની પાછળના ભાગ સુધી પ્રસરી ગઈ હોવાથી મોટાભાગના ખાનગી તબીબોએ હાથ અધ્ધર કરી દીધા હતા અને એવી સલાહ આપી હતી કે જો જીવ બચાવવો હોય તો આંખ કાઢવી પડશે. આ સાંભળી પરિવાર હતાશ થઈ ગયો હતો, કારણ કે આંખ કાઢવાથી ચહેરા પર કાયમી વિકૃતિ આવવાની શક્યતા હતી.

ગોત્રી હોસ્પિટલની અત્યાધુનિક સર્જરી

અંતે પરિવાર આશા સાથે ગોત્રી હોસ્પિટલ પહોંચ્યો. અહીં ENT (કાન-નાક-ગળું) વિભાગની ટીમે કેસની ગંભીરતા જોઈ પડકાર ઉપાડ્યો. તબીબોએ 'રેટ્રોઓર્બિટલ ક્લિયરન્સ' નામની જટિલ પ્રક્રિયા હાથ ધરી. નાક વાટે અત્યાધુનિક સાધનોની મદદથી આંખની પાછળ રહેલી ફૂગને સાફ કરવામાં આવી.આ પદ્ધતિની ખાસિયત એ હતી કે દર્દીની આંખ કાઢવાની જરૂર ન પડી અને ચહેરા પર ઓપરેશનનો એક પણ ડાઘ કે કાપો આવ્યો નહીં. પરિસ્થિતિ ગંભીર હોવાથી તબીબોએ માત્ર 24 કલાકમાં જ સર્જરીનું આયોજન કરી સફળતાપૂર્વક પાર પાડી.

સ્મિત સાથે ઘરે પરત

આ સફળતા પાછળ ENT, એનેસ્થેસિયા અને પેરામેડિકલ સ્ટાફની સખત મહેનત રહેલી છે. આજે ભુપેન્દ્રભાઈ સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમની દ્રષ્ટિ તેમજ ચહેરાની સુંદરતા અકબંધ છે. સરકારી હોસ્પિટલના તબીબોની આ સંવેદનશીલતા અને કુશળતાને કારણે એક મધ્યમવર્ગીય પરિવારને મોટું આર્થિક અને માનસિક સંકટ ટળ્યું છે.

આ પણ વાંચો: Vadodara: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સંસ્કારી નગરીના આંગણે: 'શિવજી કી સવારી' અને મહાઆરતીમાં લેશે ભાગ

  • Follow us on: