વડોદરા શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ શહેરમાં પરંપરાગત રીતે નીકળતી 'શિવજી કી સવારી'માં વિશેષ ઉપસ્થિત રહેશે અને સુરસાગર તળાવ ખાતે યોજાનારી ભવ્ય મહાઆરતીમાં સહભાગી થશે.
શિવયાત્રાનું સ્વાગત અને મહાઆરતી
શહેરના રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરનારી શિવજીની સવારીનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લાલકોર્ટ પાસે ભવ્ય સ્વાગત કરશે. ત્યારબાદ, તેઓ ઐતિહાસિક સુરસાગર તળાવ ખાતે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સમક્ષ યોજાનારી મહાઆરતીમાં જોડાશે. શિવ ઉત્સવ સમિતિ દ્વારા આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
પોલીસનો લોખંડી બંદોબસ્ત
ગૃહમંત્રીની મુલાકાત, શિવયાત્રા અને ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરા દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સુરક્ષાનું બ્રિફિંગ કર્યું હતું. 9 DCP, 16 ACP, 85 PI અને 275 PSI તૈનાત રહેશે. કુલ 3500 પોલીસ જવાનો યાત્રાના રૂટ પર ફરજ બજાવશે. 450 ટ્રાફિક જવાનો વાહનવ્યવહારના નિયમન માટે હાજર રહેશે. બહારથી CRPF ની એક સ્પેશિયલ કંપની પણ સુરક્ષામાં જોડાશે.
સંવેદનશીલ વિસ્તારોમાં સતર્કતા
VVIP મુવમેન્ટને પગલે સમગ્ર રૂટ પર અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા અને ડ્રોન મારફતે પણ નજર રાખવામાં આવશે. શહેરના નાગરિકોમાં ગૃહમંત્રીના આગમનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Vadodara: કેરાલાના તિરુવનંતપુરમ કોર્પોરેશનના પ્રતિનિધિ મંડળની વડોદરા મુલાકાત શહેરના વિકાસ અને પ્રોજેક્ટ્સની કરી પ્રશંસા