વડોદરાના નેશનલ હાઈવે-48 પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. આજવા અને વાઘોડિયા ચોકડી વચ્ચે કારચાલકે હાઈવે ઓળંગી રહેલા દાદી અને પૌત્રને જોરદાર ટક્કર મારતા બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. આ અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.


વડોદરામાં અકસ્માતમાં દાદી અને પૌત્રના મોત

મળતી માહિતી મુજબ, હરખાબેન સોલંકી અને તેમનો પૌત્ર વનરાજ સોલંકી આજે આજવા-વાઘોડિયા ચોકડી વચ્ચેના હાઈવે પરથી રસ્તો ઓળંગી રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને દાદી-પૌત્રને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભીષણ હતી કે બંનેના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

નેશનલ હાઇવે 48 પર કારચાલકે ટક્કર મારી

ઘટનાની જાણ થતા જ કપુરાઈ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. અકસ્માત સર્જનાર કારચાલકને પોલીસે ઝડપી પાડી તેની અટકાયત કરી લીધી છે. મૃતકોના નામ હરખાબેન સોલંકી અને વનરાજ સોલંકી છે. કપુરાઈ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કારચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. હાઈવે પર વારંવાર સર્જાતા આવા અકસ્માતોને લઈ સ્થાનિકોમાં પણ સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે જનઆક્રોશ, મોહમ્મદ યુનુસનું પૂતળા દહન


  • Follow us on: