વડોદરામાં લૂંટારાઓ હવે નવા-નવા કીમિયા અપનાવી રહ્યા છે. શહેરના પોશ ગણાતા અકોટા વિસ્તારમાં 74 વર્ષીય વૃદ્ધને ટાર્ગેટ કરી એક ગઠિયો ડિલિવરી બોય બનીને આવ્યો હતો અને સોનાની ચેઇન લૂંટીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે.
યુવક વૃદ્ધ પાસેથી સોનાની ચેઇન લૂંટી ફરાર
અકોટામાં રહેતા 74 વર્ષીય હસમુખભાઈના ઘરે કેસરી રંગનું ટી-શર્ટ પહેરીને એક યુવક આવ્યો હતો. તેણે પોતાની ઓળખ ડિલિવરી બોય તરીકે આપી અને જણાવ્યું કે, "તમારું પાર્સલ આવ્યું છે." પાર્સલ મેળવવા માટે સહી કરવી પડશે તેમ કહી હસમુખભાઈને ઘરની બહાર બોલાવ્યા હતા. જેવા હસમુખભાઈ સહી કરવા માટે આગળ વધ્યા કે તરત જ ગઠિયાએ તેમના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી લીધી અને પલકવારમાં ફરાર થઈ ગયો.










