વડોદરાના લોકપ્રિય અને વરિષ્ઠ નેતા સ્વ. યોગેશ પટેલની દિવંગત આત્માની શાંતિ અર્થે શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે એક વિશાળ પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં પક્ષ-વિપક્ષના રાજકીય નેતાઓ, સાધુ-સંતો અને હજારોની સંખ્યામાં વડોદરાના નાગરિકો ઉમટી પડ્યા હતા અને ગમગીન માહોલમાં પોતાના લોકલાડીલા નેતાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પમાળા અર્પણ કરી સાંત્વના પાઠવી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ વડોદરા આવીને નવલખી મેદાન ખાતે યોજાયેલી બેસણા સભામાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ સ્વ. યોગેશ પટેલની તસ્વીર પર પુષ્પમાળા અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેઓ સ્વર્ગસ્થ નેતાના ધર્મપત્ની, પુત્ર અને બંને પુત્રીઓ સહિતના શોકગ્રસ્ત પરિવારની વચ્ચે બેઠા હતા અને પરિવારના સભ્યોને આ મુશ્કેલ સમયમાં સાંત્વના પાઠવી હિંમત આપી હતી.


મેનકા ગાંધી અને કમલેશ પટેલ સહિતના દિગ્ગજો રહ્યા ઉપસ્થિત

આ પ્રાર્થના સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. યોગેશ પટેલ સાથેના જૂના સંસ્મરણો તાજા કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત રાજ્ય મંત્રી કમલેશ પટેલ, વડોદરાના મેયર, વિવિધ ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ તેમજ અન્ય ઉચ્ચ પદાધિકારીઓ અને રાજકીય અગ્રણીઓએ પણ હાજર રહીને અંજલિ આપી હતી.


સંતો-મહંતો અને હજારો શહેરીજનોની હાજરી

સ્વ. યોગેશ પટેલની ધાર્મિક અને સામાજિક લોકપ્રિયતાના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ઉચ્ચ સાધુ-સંતો તેમજ ઇસ્કોન મંદિરના સંતો સહિત વિવિધ ધર્મના ગુરૂઓ આ સભામાં આશીર્વચન અને શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા. તેમની સાથે વડોદરાના હજારો સામાન્ય નાગરિકોએ પણ લાંબી કતારોમાં ઉભા રહી પોતાના નેતાને નમન કર્યા હતા.


એસી ડોમમાં રાજકીય સફરની ફોટો પ્રદર્શની બની આકર્ષણનું કેન્દ્ર

પ્રાર્થના સભામાં આવનારા હજારો લોકો માટે વહીવટી તંત્ર અને પરિવાર દ્વારા વિશાળ એસી ડોમની સુવિધા કરવામાં આવી હતી. આ ડોમની અંદર સ્વ. યોગેશ પટેલની ભવ્ય અને સંઘર્ષમય રાજનીતિક સફરને દર્શાવતી એક સુંદર ચિત્રો અને ફોટોગ્રાફ્સની પ્રદર્શની ગોઠવવામાં આવી હતી. અહીં આવનારા તમામ લોકોએ આ તસવીરો નિહાળીને લોકનેતા તરીકેની તેમની સેવાકીય સફરને યાદ કરી હતી.


આ પણ વાંચો - Vadodara News: કરજણના ઓઝ ગામે માછીમારી કરવા ગયેલા યુવાનને મગરે ખેંચી લેતા કમકમાટીભર્યું મોત


  • Follow us on: