વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઓઝ ગામેથી મગરના હુમલાની એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. ઓઝ ગામે રહેતો રાહુલ વસાવા નામનો યુવાન બપોરના સમયે ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીના કિનારે માછીમારી કરવા માટે ગયો હતો. આ દરમિયાન નદીના પાણીમાંથી અચાનક એક વિશાળકાય મગરે તેના પર હિંસક હુમલો કર્યો હતો અને યુવાન કંઈ સમજે તે પહેલાં જ તેને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.


નાવિકોએ મૃતદેહ બહાર કાઢ્યો

યુવાનને મગર પાણીમાં ખેંચી ગયો હોવાની જાણ થતાં જ નદી કિનારે અને સમગ્ર ઓઝ ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક નાવિકો અને તરવૈયાઓ તાત્કાલિક હોડીઓ લઈને નર્મદા નદીના પાણીમાં યુવાનની શોધખોળ માટે ઉતરી પડ્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિક નાવિકોને નદીમાંથી યુવાનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મગરના જીવલેણ હુમલાના કારણે યુવાનનું પાણીમાં જ કમનસીબ મોત નીપજ્યું હતું.

પીએમ અર્થે સરકારી દવાખાને ખસેડાયો

નદીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયું હતું. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મરણ જનાર યુવાન રાહુલ વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.) અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડ્યો છે. નર્મદા નદી કિનારે બનેલી આ ઘટનાથી સ્થાનિક નદી કિનારાના વિસ્તારોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: