વડોદરા જિલ્લાના ડેસર તાલુકા મથકેથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક જાણીતા સોની વેપારીએ ગ્રાહકોના વિશ્વાસનો ખૂન કરીને લાખો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે. ગ્રાહકોએ સોના-ચાંદીના નવા દાગીના બનાવવા માટે આપેલું સોનું બારોબાર વેચી મારીને આર્થિક છેતરપિંડી આચરનાર સોની વેપારી સામે ડેસર પોલીસ મથકે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કૌભાંડ બહાર આવતા જ સમગ્ર ડેસર તાલુકા સહિત વડોદરાના વેપારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.


ગ્રાહકોએ નવા ઘરેણાં બનાવવા સોનુ આપેલું

મળતી માહિતી મુજબ, ડેસર ખાતે સોના-ચાંદીની દુકાન ધરાવતા સંજય ચંપકલાલ સોની નામના વેપારી સામે ગ્રાહકોએ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક ગ્રાહકોએ પોતાના જૂના દાગીના અને શુદ્ધ સોનું સંજય સોનીને નવા ઘાટના ઘરેણાં બનાવવા માટે આપ્યા હતા. જો કે, લાંબો સમય વીતી જવા છતાં દાગીના ન મળતા ગ્રાહકોએ તપાસ કરી હતી

ગ્રાહકોનું સોનું બારોબાર વેચ્યું હોવાનો ઘટસ્ફોટ

જેમાં જાણવા મળ્યું હતું કે સોનીએ ગ્રાહકોનું સોનું બારોબાર વેચીને લાખો રૂપિયા અંકે કરી લીધા હતા. શરૂઆતમાં એક ગ્રાહકે હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવતા જ, એક પછી એક 10થી વધુ ભોગ બનનાર ગ્રાહકો સામે આવ્યા છે અને સોની વિરુદ્ધ મોરચો માંડ્યો છે.

13 લાખનું કૌંભાડ

પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ, જૂના ભાવ ગણતરીમાં લઈએ તો પણ આ કૌભાંડ અંદાજે 13 લાખથી વધુનું હોવાનું સામે આવ્યું છે. જો કે, વર્તમાન બજાર ભાવ અને હજુ પણ જે ગ્રાહકો પોતાનું સોનું પાછું મળશે તેવી આશાએ બેઠા છે તેમની ગણતરી કરતા આ આંકડો ઘણો મોટો થઈ શકે છે.

પોલીસે વેપારીની અટકાયત કરી

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ડેસર પોલીસે મોડી રાત્રે જ ગ્રાહકોના રૂપિયા નવડાવનાર વેપારી સંજય ચંપકલાલ સોનીની અટકાયત કરી લીધી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે કે આખરે આ સોનું કોને વેચવામાં આવ્યું હતું અને કૌભાંડની કુલ રકમ કેટલી છે.


આ પણ વાંચો----     Gujarat Latest News live : રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી



  • Follow us on: